申命记 31
你当刚强壮胆
1મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી. 2તેણે તેઓને કહ્યું, “હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, ‘તું યર્દન નદી પાર જવા પામશે નહિ.’ 3યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.
4અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે. 5અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ. 6બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ.” 7મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે.
8જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”
每七年宣读这律法
9મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી. 10મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, “દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં, 11જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો.
12લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.
神委任约书亚
14પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા. 15અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. 16યહોવાહે મૂસાને કહ્યું, “જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.
17ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું? 18પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ. 19હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય.
20કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે. 21અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું.” 22તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું.
23પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.”
律法书放在约柜旁
24જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે, 25મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે, 26“આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.
27કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો? 28તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું. 29મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો.”
摩西开口歌唱
30પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.